સત્સંગ સભા : ટેમ્પા
સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પોતાના અમેરિકા ખાતે તેના વિચરણ દરમિયાન સંતમંડળ સાથે ટેમ્પા પધાર્યા હતા. ટેમ્પામાં ડૉ. શ્રી નૈષધભાઇ માંડલિયા તથા ડૉ. શ્રી જેરામભાઇ કણકોટિયા વગેરે ભક્તજનોએ જાહેર સત્સંગસભાનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીશ્રીએ ભક્તજનોને ઉદ્દેશીને ઉપનિષદ્, ભગવદ્ગીતા અને વચનામૃતનો મહિમા સમજાવ્યો હતો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, વચનામૃતને સાંપ્રદાયિક ગ્રંથ ગણી શકાય નહિ. વચનામૃત સર્વ મુમુક્ષુઓ માટે અધ્યાત્મમાર્ગનો ભોમિયો છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સંતો અને ભક્તો સાથે સુંદર પ્રશ્નોત્તરી કરેલી છે. જેમાંથી મુમુક્ષુઓને મોક્ષમાર્ગે સેંકડો પ્રશ્નોના સમાધાન મળે છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સમગ્ર ભારતીય દર્શન ઘારાઓનો સમન્વય કર્યો છે . ભગવાન શ્રી સ્વામિનારાયણની સમજાવવાની શૈલી અદ્ભૂત છે. અધ્યાત્મની ગહન વાતો તેઓ સીધા-સાદા દૃષ્ટાંતોથી સરળ ભાષામાં સમજાવે છે. એક દૃષ્ટિએ જોઇએ તો વચનામૃત અભણ લોકો માટે સરળ અને વિદ્વાનો માટે ગહન ગ્રંથ છે.
આ સત્સંગ સભામાં ટેમ્પાના ભાવિક ભાઇ-બહેનોએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. શ્રી ઘનશ્યામભાઇ બોરડ, શ્રી શ્રેયાંસ માંડલિયા, શ્રી મુકેશ પટેલ, શ્રી વિજય સોલંકી વગેરે ઉત્સાહી ભાઇ-બહેનોએ ભોજનપ્રસાદ વગેરે સર્વ સેવાઓ ઉત્સાહથી ઉઠાવી લીધી હતી. પાર્ષદશ્રી ઘનશ્યામ ભગતે સુંદર કિર્તનોનું રસપાન કરાવ્યું હતું. શ્રી વેદાંતસ્વામીએ સભા સંચાલન કર્યું હતું.
ટેમ્પાથી સ્વામીશ્રી ઓરલાંડો પધાર્યા હતા. અહીં ડૉ. શ્રી કાંતિભાઇ ભલાનીએ સત્સંગસભાનું આયોજન કર્યું હતું.
Add new comment