Satsang Shibir USA, 2013

અમેરિકાના પેન્સેન્વેલિઆમાં પોકોનો ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં સત્સંગ સાધના શિબિરનું મંગલ આયોજન થયું હતું. હરિયાળા પહાડોની ગોદમાં કુદરતને ખોળે આયોજિત આ સાધના શિબિરમાં પેન્સેન્વેલિયા, ન્યુ જર્સી, મેરીલેન્ડ, ઓહાયો, કેનેડા વગેરે દૂર દૂરનાં પ્રદેશોથી અનેક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા.અમેરિકા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર તરફથી આ શિબિરનું આયોજન થયું હતું. શ્રી બિરેનભાઈ સરધારાના વિશાળ સમર હાઉસમાં સંતોનો ઉતારો રાખવામાં આવ્યો હતો.

આ ત્રિદિવસીય શિબિરમાં પૂજ્ય સ્વામીજીએ માનસી પૂજા, ધ્યાન, પ્રાણાયામનું પ્રાયોગિક શિક્ષણ આપ્યું હતું. સાથે સાથે વિવિધ વિષયો ઉપર વૈજ્ઞાનિક ઢબે સુંદર છણાવટ કરી હતી. પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આધ્યાત્મિક માર્ગે મંદિર, મૂર્તિ, માળા, સદ્ગુરુ, શાસ્ત્ર, સેવા અને સમર્પણ - આ સાત વસ્તુનું ખુબજ મહત્વ છે. મંદિર શબ્દની વિસ્તૃત વ્યાખ્યા કરતા તેમણે કહ્યું હતું કે આપણા જીવનમાં મંદિર, ગૃહ મંદિર, ચૈતન્ય મંદિર, રાષ્ટ્ર મંદિર અને હ્રદય મંદિર - આ પાંચ મંદિર પ્રત્યે આદર અને શ્રદ્ધા હોવા જોઈએ. શિબિર દરમ્યાન ઉપસ્થિત શિબિરાર્થીઓ સાથે રસપ્રદ પ્રશ્નોતરી પણ કરી હતી.પોકોનો ખાતેના આર્ષ ગુરુકુળનાં સંસ્થાપક તેમજ શ્રી હિંદુ ધર્મ આચાર્ય સભાના અધ્યક્ષ, વયોવૃદ્ધ સંત પૂજય શ્રી દયાનંદ સરસ્વતીજી મહારાજ નાદુરસ્ત તબિયત હોવા છતાં આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેઓ શ્રીએ શિબિરાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું અને પૂજ્ય સ્વામીજી પ્રત્યે ખાસ રાજીપો દર્શાવ્યો હતો .આ પ્રસંગે હિંદુ ધર્મ આચાર્ય સભાનાં મહામંત્રી સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજે વર્તમાન સમયે હિંદુ ધર્મ જે કસોટીઓનો સામનો કરી રહેલ છે, તેની વિસ્તૃત છણાવટ કરી હતી. એમનું મંગળ પ્રવચન ભારે પ્રેરક અને સજાગ કરનારું હતું.પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રસંગોપાત સત્સંગનું મહત્વ દર્શાવ્યું હતું.

સુપ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડૉ. વિજયભાઈ ધડુક તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ (SPCS), ન્યુ જર્સીનાં પ્રમુખ જયભાઈ ધડુકે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ શિબિરના મુખ્ય યજમાન શ્રી બીરેનભાઈ સરધારાએ ભાવવિભોર સ્વરે આટલા બધા ભક્તજનો પોતાના આંગણે પધાર્યા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. SPCSનાં ટ્રસ્ટીશ્રી અને ગુરુકુલના અગ્રણી ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી વીરજીભાઈ પાઘડાળે સમસ્ત શિબિરનું સફળ સંચાલન કર્યું હતું.આ શિબિરને સફળ બનાવામાં શ્રી લક્ષ્મણભાઈ કોટડીયા, શ્રી ચીમનભાઈ અંટાળા, શ્રી ગીરીશ ભાઈ પાઘડાળ, શ્રી અરવિંદભાઈ હિરપરા, શ્રી મનસુખભાઈ પાઘડાળ, શ્રી કિરણભાઈ રાખોલિયા, શ્રી પિયુષ ડોબરીયા, ડૉ. શામળદાસભાઈ, શ્રી મનહરભાઈ માંગરોળીયા, શ્રી જમનભાઈ જસાણી, શ્રી મનોજભાઈ ચોવટિયા, શ્રી કિશોરભાઈ વોરા અને તમામ સેવાભાવી ભાઈ-બહેનોએ ખુબજ ઉત્સાહ અને ભાવનાથી સાથ સહકાર આપ્યો હતો

Picture Gallery

 

 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.