સત્સંગ સભા- ડલાસ
સત્સંગ સભા- ડલાસ
સત્સંગ વિચરણ દરમિયાન સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ડલાસ પધાર્યા હતા. ડલાસ શ્રી સ્વામિનારાયણ મંદિર ગ્રાન્ડપેરી ખાતે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રમુખ શ્રી ભરતભાઇ, ડૉ. શ્રી રાજેશભાઇ, અતુલ પટેલ વગેરે ભક્તજનોએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું.
સત્સંગમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે જે આંખોથી જોઇ રહ્યા છીએ એથી પણ સૂક્ષ્મ વિશ્વ છે. જે વિશ્વને આપણે આપણી આંખોથી કે દૂરદર્શક યંત્રોથી અથવા સૂક્ષ્મદર્શક યંત્રોથી જોઇ શકતા નથી. શાસ્ત્રોએ દેવતાઇ સૃષ્ટિનું વર્ણન કર્યું છે તે દેવતાઓમાં આપણી શ્રદ્ધા હોવી જોઇએ.
મનુષ્ય અને દેવતાઓના શરીર, સ્વભાવ અને શક્તિમાં ભારે તફાવત હોય છે. વેદોમાં કહ્યું છે કે, મનુષ્યો અન્ન-જળથી તૃપ્ત થાય છે, પિતૃઓ તથા દેવતાઓ માત્ર સુંઘીને તૃપ્ત થાય છે. ઉચ્ચ કોટીના દેવતાઓ દર્શનમાત્રથી તૃપ્ત થાય છે. એક વખતે લોકોમાં દેવતાઓ અને એમના લોક વિશે જાતજાતની અંધશ્રદ્ધા હતી. આજે જેમ જેમ વિજ્ઞાન વિકસતું ગયું છે તેમ તેમ આ અસીમ બ્રહ્માંડમાં અનંત બ્રહ્માંડથી પાર પણ અનેક પ્રકારના લોક અને અનેક પ્રકારના અસ્તિત્વની સંભાવનાઓ હોઇ શકે છે તે સાબિત થઇ ચૂક્યું છે અને આપણી શ્રદ્ધાને મજબૂત આધાર મળ્યો છે.
સભાને અંતે ડૉ. રાજેશભાઇએ મંદિર દ્વારા થઇ રહેલા મેડીકલ કેમ્પ જેવી વિવિધ સેવા-પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સ્વામીશ્રીએ કહ્યું હતું કે, ગ્રાન્ડપ્રેરીના સેવાકાર્યો પ્રસંશનીય છે. પ્રત્યેક મંદિરમાં આવા સેવાકાર્યો થતા રહે તો હિન્દુ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય દીપી ઉઠે. આ પ્રસંગે મંદિરના કોઠારી શ્રી હરિપ્રસાદ સ્વામી તથા શાસ્ત્રી શ્રી નિર્લેપ સ્વામીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું.
Add new comment